Monday 29 April 2013

પિતા... (પપ્પા, Father, अब्बु)

મારા પપ્પા. (સ્વ. જસવંતરાય ઉપાધ્યાય)

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના રહેવાયું. ખૂબ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો કૂકા કે કૂંડાળાં રમી શકે ! બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે નાના બાળકને બચી ભરી શકશે. જો આવું થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’

ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ ઊંચાઈશબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! વખતે તો મારે કહેવું પડશે કે હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને ખ્યાલ હોય કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો બરછટ અને જાડા હાથ નહીં કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’

વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે મજબૂત હાથ ખેતર ખેડી શકશે ! બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે પહાડ પણ ખોદી શકશે. મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના મોટા હાથનો વિશાળ ખોબો બધું ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’

ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો છે. અને બાળક માટે પર્યાપ્ત છે. મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર ખ્યાલ વગર ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’

મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, પગ પર પગ મૂકીને નાનકડું બાળકપાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. પગ પર પગ મૂકી ચાલશે. પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો રમી શકશે. અને સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.

રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો ચહેરો આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. સાથે દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આંસુ માટેની ખાતરીની મહોર છે !!’

દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો.


મિત્રો, ‘ફાધર, પિતા કે બાપ’ પોતાના સંતાનો માટે જે કરે છે તેને માતા જેટલો દરજ્જો નથી અપાયો. ફાધર ગ્રાન્ડ ફાધર બનીને પણ તેના વાત્સલ્ય અને ફરજોનું એકસ્ટેન્શન કરતા રહે છે. પપ્પાએ નાનો પ્રવાસ પણ કર્યો હોય તેવું બને છે. પણ તેનાં સંતાનો હનીમૂન કરવા યુરોપ જાય તો બગીચામાં મિત્ર વર્તુળ વચ્ચે ગૌરવ અનુભવે છે અને કોલર ઊંચો ચડાવી ને આ બાબતે વાતો પણ કરે છે.

પિતા નિવૃત્ત ગુમાસ્તો હોય પણ છોકરાને પેટે પાટા બાંધીને ડોક્ટર કે એન્જિનિયર બનાવી બતાવે. પપ્પા બે જોડી કપડા પહેરે અને આખું વરસ પુરૂં કરે, પણ તેના પુત્રો કે પૌત્રો બ્રાન્ડેડ કપડા સિવાય હાથ ના લગાવે તેમ કહીને કોલર ઉંચો ચઢાવે છે. અબ્બુ સરકારી હોસ્પિટલમાં મોતિયો ઉતરાવે અને તેનાં જ સંતાનો કોર્પોરેટ હોસ્પિટલ સિવાય નામ ના લે.

પપ્પા ધર્મશાળામાં ઉતરે અને સંતાનો ફાઇવસ્ટાર હોટલમાં ઉતરે તો પણ તેની બડાશ મારેફાધર જે સ્કુટર પર શાળાએ મૂકવા જતા હતા હવે સ્કુટર પર  પોતાના જ પૌત્ર- પૌત્રીઓને લેવા મૂકવા જાય છે, ત્યારે તેનો દિકરો તો બીએમડબલ્યુમાં ફરતો હોય છે.

ઘરના બિલો ફાધર ભરે, છોકરાઓ ઇન્કમટેક્સ રીટર્ન ભરવામાં વ્યસ્ત હોય. મોટા ભાગના ફાધરની વાતનો મુદ્દો તેમના સંતાનો કે પૌત્ર- પૌત્રીના ગૌરવનો હોય છે. પણ પિતાનાં સ્વાર્પણની કોઈ ભાગ્યે વાત કરે છેમમ્મી ચિંતા કરે છે, પણ પપ્પાને તો એ ચિંતા સાથે તેનો ઉકેલ પણ લાવવાનો હોય છે. મોટા ભાગે માં માનસિક ભૂમિકા કે પીડા ભોગવે છે. પિતા તેના માટે આર્થિક, શારીરિક અને જે તે સંજોગ કે સીસ્ટમ પાસેથી કામ નીપટાવવાનું હોય છે.

સંતાનો માટે માતાના ઉજાગરાની જેટલી નોંધ સાહિત્યકારોએ લીધી છે તેટલી પિતાના અંધારી રાત્રિમાં સતત બદલાતા રહેતા પથારી પરના પડખા પર કોઈની નજર નથી પડી.

મમ્મી તો રડી પણ શકે છે. પણ પપ્પા જો એમ કરે તો ઘર ભાંગી પડેપિતા તેની પત્નીથી આજીવન સમાધાન કરીને જીવન વ્યતિત કરતો હોય તે વેદનાની કોઈ નોંધ નથી લેતું હોતુંપિતા એક ‘અનસંગ હીરોછે જેના બહુ ઓછા ગુણગાન ગવાય છે તે રીતે પિતાtaken for grantedછે.


દોસ્તો, પિતા આપણાં જીવનમાં એક છતની ભૂમિકા ભજવતાં હોય છે. જેમ ્ છત નીચે રહેવાથી આપણે સલામત હોઇએ છીએ, તડકો કે વરસાદ નથી લાગતો તેમ જીવનમાં પિતાની હાજરીથી ઘણા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઇ જતાં હોય છે. પિતા આપણાં જીવનમાં ખુબ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે એક દિકરા તરીકે માં સાથે આપણી તમામ ચિંતાઓ શેર નથી કરી શકતાં કે ઘણી વાર એમ માનીને પણ મન મનાવત હોઇએ કે મમ્મીને આ વાત કરીશું તો નાહક ની ચિંતા કરશે. આમે આ વાતમાં તેને શું ખ્યાલ આવવાનો કે તે કંઇ રસ્તો શોધી આપે. પણ પપ્પા સાથે વાત કરવામાં વાંધો નથી આવતો. ત્યાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જ જશે એ વિશ્વાસ હોય છે. 

રિડર બિરાદરો, આ છતનાં મહત્વને ઓછું ન આંકતા. એ છે તો ઘણું ઘણું છે. પપ્પા આ શબ્દમાં રહેલ એક વિશ્વાસ અને સલામતિની ભાવના છે એ બીજા કોઇ શબ્દમાં નથી હોતી. દોસ્તો, આ છત્રછાયા જીવનને એક રાહત આપે છે, હુંફ આપે છે, એક વેગ આપે છે, એક દિશા આપે છે. આ છત્રછાયા જેની પાસે નથી એને જ ખબર છે કે એની પાસે શું નથી. કારણ કે પપ્પા એ પપ્પા છે. 

દોસ્તો, ‘જ્યારે કોઈ પુત્રને તેના પિતા જોડે ખૂબ લાગણી સભર અને પ્રસન્નતાથી વાતચીત કરતા જોઉં ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું આવે વખતે મને મારા સ્વ. પિતાની યાદ આવી જાય છે. કાશ હું પણ આવું કરી શકતો હોત તો...’

What's App માં મને મળેલ આ વિડીયોક્લિપ મમળાવો. બધુ સમજાય જશે.


- ઉપરની વાર્તા, ડો. આઇ. કે વિજળીવાળાનાં પુસ્તક ‘અંતરનો ઉજાસ’ માંથી સાભાર...
(સંકલિત)

7 comments:

  1. વાહ !!!!,

    વાંચતી વખતે એવું જ લાગે કે આ ખાસ મારા માટે જ લખેલ છે.

    અતિ સુંદર.....

    ( બીજી એક આડ્વાત કરૂં તો બ્લોગસ્પોટમાં કોમેન્ટ કરવી ખૂબ જ અઘરી છે હો, આના કરતા તને ફોન કરી અભિપ્રાય આપવા સહેલા અને સસ્તા લાગે છે.

    ReplyDelete
  2. Off course, Father is a Father. Superb Article, with heartfelt words.

    ReplyDelete
  3. What a wordings my friend. Nice portrait about father. Well Done.

    ReplyDelete
  4. મમ્મી તો રડી પણ શકે છે. પણ પપ્પા જો એમ કરે તો ઘર ભાંગી પડે. પિતા તેની પત્નીથી આજીવન સમાધાન કરીને જીવન વ્યતિત કરતો હોય તે વેદનાની કોઈ નોંધ નથી લેતું હોતું ! પિતા એક ‘અનસંગ હીરો’ છે જેના બહુ ઓછા ગુણગાન ગવાય છે તે રીતે પિતા ‘taken for granted’ છે.

    Wah!

    ReplyDelete
  5. કોઇપણ સંવેદનશીલ વ્યક્તિની આંખો ભીની થઇ જાય તેવો લેખ આપવા માટે તમે અભિનંદનને પાત્ર છો, શ્રી ઉપાધ્યાયભાઇ!

    ReplyDelete
  6. પિતા ‘taken for granted’ છે. U r absolutely true.

    ReplyDelete
  7. પિતા રડી શકતા નથી અને માતાને રડતી જોઇ શકાય નહીં. ખુબ સરસ લેખ દોસ્ત.

    ReplyDelete